Dark Mode
  • રવિવાર, 14 જુલાઈ 2024
Gujarat_Charcha
મુંબઈમાં ટીમ ઇન્ડિયાની વિજય પરેડ, ભવ્ય ઉજવણી

મુંબઈમાં ટીમ ઇન્ડિયાની વિજય પરેડ, ભવ્ય ઉજવણી

 

ભારતીય ક્રિકેટ ટીમ ટી-20 વર્લ્ડ કપ 2024માં ચેમ્પિયન બનીને સ્વદેશ પરત ફરી છે. ત્યારે ટીમ ઇન્ડિયાની વિજય પરેડ કાઢવામાં આવી હતી અને પછી વાનખેડે સ્ટેડિયમ પહોંચી હતી. ચેમ્પિયન ટીમની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં પ્રશંસકો રસ્તા પર ઉતરી પડ્યા હતા. 

 

પહેલા ટીમે પીએમ સાથે મુલાકાત કરી વખાણ મેળવ્યા

 

ટીમ ઈન્ડિયા ગુરુવારે નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પહોંચી હતી અને ત્યાં પણ તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. તમામ ખેલાડીઓએ ડાન્સ કર્યો હતો અને જીતની ઉજવણી કરી હતી. ત્યારબાદ ટીમ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. પીએમે સૌને અભિનંદન પાઠવ્યા હતા અને જીતની શુભકામનાઓ પાઠવી હતી. આ ઉપરાંત વડાપ્રધાને તમામ ટીમ સાથે તેમના સંધર્ષ અને જીત અંગેની વાતો કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. પીએમ તરફથી મળેલા વખાણ પછી ખેલાડીઓ મુંબઈ આવવા નીકળ્યા હતા. 

 

એરક્રાફ્ટને વોટર કેનન સલામી અપાઈ

 

ટીમ ઈન્ડિયાનું પ્લેન મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થતાં જ તેને વોટર કેનન સલામી આપી હતી. આ પછી વિમાનની આગળ ત્રણ વાહનો દોડ્યા હતા જેમાં ત્રિરંગો લહેરાતો હતો. આ પછી, જેવી જ ટીમ ઈન્ડિયા એરપોર્ટ પરથી બહાર નીકળી ત્યાં ચાહકોને અલગ જ પ્રેમ જોયો હતો. કેટલાક ખેલાડીઓ આ નજારો જોઈ ખુશી રોકી શક્યા ન હતા અને ચાહકો સાથે મજા કરી હતી. 

 

બહાર નીકળતા સમયે ટ્રોફી હાર્દિકના હાથમાં હતી

 

બહાર નીકળતા વેળા વર્લ્ડ કપની ટ્રોફી હાર્દિક પંડ્યાના હાથમાં જોવા મળી હતી. ચાહકોને જોતાની સાથે જ તેણે ટ્રોફી હવામાં લહેરાવી હતી. આ સાથે જ તમામ ચાહકો હાર્દિક... હાર્દિકના બૂમોથી હાર્દિકનો ઉત્સાહ અને તેના પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો હતો.

 

આ રીતે ટીમ ઈન્ડિયાની વિજય પરેડ નીકળી

 

ટીમ ઈન્ડિયાની વિજય પરેડ નરીમાન પોઈન્ટથી સાંજે સાડા સાત વાગ્યે શરૂ થઈ હતી. તમામ ખેલાડીઓ ખુલ્લી બસમાં ચાહકોનું અભિવાદન સ્વીકારતા જોવા મળ્યા હતા. વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ ચાહકોના જોશને જોઈ ખૂબ આનંદિત દેખાયા હતા. બીજી તરફ મોહમ્મદ સિરાજ સતત તિરંગો લહેરાવતો જોવા મળ્યો હતો. માત્ર ખેલાડીઓ જ નહીં, BCCI સેક્રેટરી જય શાહ પણ ખુલ્લી બસમાં સવાર થઈને આ અવિસ્મરણીય નજારો માણતા જોવા મળ્યા હતા. ત્યારબાદ ટીમ વાનખેડે સ્ટેન્ડિયમ પહોંચી હતી

 

સ્ટેડિયમ પહોંચતા જ ચાહકોનો અવાજ ચારેબાજુથી ગુંજી ઉઠ્યો

 

રોહિત શર્મા મેદાનમાં પહોંચતા જ ચાહકોનો અવાજ ચારેબાજુથી ઈન્ડિયા...ઈન્ડિયા...થી ગુંજી ઉઠ્યો હતો. રોહિતને બોલવા માટે રાહ જોવી પડી. રોહિત શર્માએ સૌનો આભાર માન્યો હતો. તેણે કહ્યું કે, આ ટ્રોફી સમગ્ર દેશ માટે છે. દેશ માટે ટ્રોફી જીતવી એ ખૂબ જ ગર્વની વાત છે. તેણે સમગ્ર દેશ અને ક્રિકેટ ચાહકોનો આભાર માન્યો હતો.

 

15 વર્ષમાં પ્રથમ વખત રોહિતને ઇમોશનલ થતા જોયો – વિરાટ કોહલી

 

વિરાટ કોહલીએ સ્ટેડિયમમાં હાજર તમામ પ્રશંસકોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે ફાઈનલ બાદ અમે બાર્બાડોસમાં ફસાયેલા હતા અને શક્ય તેટલી વહેલી તકે ભારત પહોંચવા માંગતા હતા. બુમરાહ વિશે કોહલીએ કહ્યું કે તેણે ફાઇનલમાં જે રીતે બોલિંગ કરી તે અદ્ભુત હતી. વર્લ્ડ કપ જીતવો ખૂબ જ ખાસ છે.

 

કોહલીએ કહ્યું કે જ્યારે અમે 2011માં વનડે વર્લ્ડ કપ જીત્યો ત્યારે તે અદ્ભુત હતું. તે સચિનનો છેલ્લો વર્લ્ડ કપ હતો અને અમે તેને મેદાન પર ઉતાર્યો હતો તેમને મેદાનમાં ફેરવ્યા હતા. આ વખતે હું અને રોહિત સિનિયર ખેલાડીઓ હતા અને અમે જીતવા માગતા હતા. મેં રોહિતને છેલ્લા 15 વર્ષમાં પહેલીવાર મેદાન પર ભાવુક થતા જોયો. તે અને હું બંને બન્ને રડતા હતા અને તે અમારા માટે ઘણું સ્પેશ્યલ હતું. આટલા વર્ષોમાં અમારો ઉદ્દેશ્ય દેશ માટે વર્લ્ડ કપ જીતવાનો હતો અને તે થયું છે.

 

ટીમ ઈન્ડિયાનો PM સાથેનો દોઢ મિનિટનો વીડિયો થયો વાઈરલ 

 

આ પહેલા ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા તેમના નિવાસસ્થાન લોક કલ્યાણ માર્ગ પર પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટીમ ઇન્ડિયાની મુલાકાતનો વીડિયો સામે આવ્યો છે. દોઢ મિનિટના આ વીડિયોમાં વડાપ્રધાન મોદી ટીમ ઇન્ડિયાના સભ્યો સાથે વાત કરતા નજરે પડે હતા.

 

ટી 20 વર્લ્ડ કપની ટ્રોફી પ્રધાનમંત્રીના હાથમાં સોંપી

 

આ દરમિયાન ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવનાર કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ટી 20 વર્લ્ડ કપની ટ્રોફી પ્રધાનમંત્રીના હાથમાં સોંપી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ સાથે વાત કરતા જોવા મળ્યા હતા. આ સમયે એક પ્રસંગ એવો પણ આવ્યો કે પીએમ મોદીની કોઈ વાત સાંભળીને ખેલાડીઓ હસવા લાગ્યા હતા.

 

રોહિત શર્માએ દિલ્હી એરપોર્ટ પર ઉતરતાની સાથે જ કેક કાપી હતી

 

ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ પોતાના હાથમાં ટ્રોફી લઈને બહાર આવ્યો હતો. આ પછી BCCI પ્રમુખ રોજર બિન્ની અને સેક્રેટરી જય શાહ સાથે કેક કાપી હતી. આ પછી રોહિત શર્મા ચાહકોને ટ્રોફી બતાવી હતી અને ટીમ બસમાં બેસી ગયો હતો.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!