Dark Mode
  • રવિવાર, 14 જુલાઈ 2024
Gujarat_Charcha
મુંબઈ ડૂબ્યુ ! 6 કલાકમાં 12 ઈંચ વરસાદ

મુંબઈ ડૂબ્યુ ! 6 કલાકમાં 12 ઈંચ વરસાદ

 

મુંબઈમાં ભારે વરસાદને કારણે તબાહી સર્જાઈ હતી. ભારે વરસાદને કારણે મુંબઈ નગરી દરિયો બની ગઈ છે. ત્યારે આજે પણ હવામાન વિભાગે વરસાદની ચેતવણી કરી છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં આજે સવારથી વરસાદ પડી રહ્યો છે. પાણી ભરાવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ અને રેલવે ટ્રેક પર પાણી ભરાયા છે. મુંબઈ તેમજ મહારાષ્ટ્રના થાણે, પાલઘર, રાયગઢ અને રત્નાગીરી જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

 

મુંબઈમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતી

 

મુંબઈમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતી જોવા મળી રહી છે. રસ્તાઓથી લઈને રેલવે  ટ્રેક સુધી બધે જ પાણી- પાણી જેવી સ્થિતી છે. જેના કારણે રસ્તા પરના વાહનો માંડ માંડ તેમના ગંતવ્ય સ્થાને પહોંચી શકતા હોય છે. માયાનગરીના ભારે વરસાદને કારણે પૈડા થંભી ગયા છે.  ભારે વરસાદને કારણે અનેક જગ્યાઓ પર ઘૂંટણ સુધીના પાણી ભરાય ગયા છે.

 

લાઈફલાઈન કહેવાતી લોકલ ટ્રેનોના પૈડા થંભી ગયા

 

વરસાદને કારણે સામાન્ય લોકોને બહુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઈની લાઈફલાઈન કહેવાતી લોકલ ટ્રેનોના પૈડા થંભી ગયા છે. રસ્તાઓ પર પૂરને કારણે ગાડીઓ ડૂબી ગઈ છે. તેમજ ભારે વરસાદને કારણે આજે સોમવારના રોજ સ્કૂલો બંધ રાખવામાં આવી છે. ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે.

 

શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

 

મુંબઈમાં ગતરોજ આખી રાત મુશળધાર વરસાદ થયો હતો. મુંબઈમાં ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે. કિંગ્સ સર્કલ પહેલા સાયન, માટુંગા, ગાંધી માર્કેટ આ વિસ્તારો જળમગ્ન થયા છે. કલ્યાણ-કસારા સેક્શન અને ખડાવલી અને ટિટવાલા વચ્ચે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને રવિવારે લોકલ ટ્રેન સેવાઓ પણ ખોરવાઈ હતી.

 

કેટલાક સ્થળે લોકલ ટ્રેનો 15 થી 20 મિનિટ મોડી થઈ, તો ક્યાંક સંપૂર્ણ બંધ 

 

ભારે વરસાદને કારણે નવી મુંબઈમાં લોકલ ટ્રેનો 15 થી 20 મિનિટ મોડી ચાલી રહી છે. ભારે વરસાદ અને ઠેર-ઠેર પાણી ભરાવાને કારણે સેન્ટ્રલ રેલવે લાઇન સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે. લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનો અને લોકલ ટ્રેનો વિવિધ સ્થળોએ રોકાઈ ગઈ છે.

 

સોમવારે પણ હાઈ એલર્ટ જાહેર કરાયું 

 

રેલવેએ ઘણી ટ્રેનોના રૂટ પણ ડાયવર્ટ કર્યા છે. કારણ છે પાણી અને કાદવથી ભરેલા ટ્રેક, ફ્લાઇટ્સને એરપોર્ટ પર ઉતરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે એટલે કે આજે પણ વરસાદનો આ ટ્રેન્ડ ચાલુ રહેશે. બદ્રામાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ પડશે.

 

સ્ટેશનો વચ્ચેના ટ્રેક પર પાણી તેમજ કાદવ જમા થયો

 

રવિવારે તોફાન અને વરસાદને કારણે પાટા પર એક વૃક્ષ પડી જતાં કસારા અને ટિટવાલા સ્ટેશનો વચ્ચે લોકલ ટ્રેન સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. આ ઉપરાંત અટગાંવ અને થાંસિત સ્ટેશનો વચ્ચેના ટ્રેક પર પાણી તેમજ કાદવ જમા થયો છે. અહીં પણ એક ઝાડ પાટા પર પડ્યું હતું. જેના કારણે વશિંદ સ્ટેશન બ્લોક થઈ ગયું હતું. અહીંથી પસાર થતી ટ્રેનોને ડાયવર્ટ કરવી પડી હતી.

 

લાંબો સમય ટ્રાફિક જામ જેવી સ્થિતી સર્જાઈ

 

રેલવે સ્ટેશન ઉપરાંત રસ્તાઓની હાલત પણ ખરાબ છે. અનેક ફૂટ ઉંચા સુધી પાણી ભરાઈ ગયા છે. જ્યાં દરરોજ વાહનોની અવરજવર રહેતી હોય તેવા માર્ગો પર પાણી ભરાવાના કારણે હવે વાહનો ધીમી ગતિએ દોડતા જોવા મળે છે. લાંબા ટ્રાફિક જામ જેવી સમસ્યા પણ જોવા મળી રહી છે.

સોસાયટીમાં રહેતા લોકોને બહાર નીકળતા હાલાકી

મુંબઈના રસ્તાઓ અને સોસાયટીઓમાં પાણી ભરાય ગયા હતા. સોસાયટીમાં રહેતા લોકોને બહાર નીકળતા હાલાકીનો સામનો કરવો પડ્યો છે. કમર સુધીના પાણી ભરાયા છે. કલંબોલી વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. જેના કારણે પૂરનો ખતરો મંડરાય રહ્યો છે. ગાડીઓ રસ્તાઓ પર ફસાયેલી છે. જ્યાં વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. જેને કારણે ત્યાંના નિવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

 

પશ્ચિમી ઉપનગરોમાં સવારથી જ ભારે વરસાદ શરૂ

 

મુંબઈ પોલીસ અને સ્થાનીય પ્રશાસને તાત્કાલિક પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરી છે. તેમજ નાગરિકોને સુરક્ષિત રહેવા માટે અપીલ કરી છે. ઈમરજન્સી સર્વિસ વિભાગ અને નગરપાલિકા સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. મુંબઈના પશ્ચિમી ઉપનગરોમાં સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. હાલમાં અંધેરી, જોગેશ્વરી, ગોરેગાંવ, મલાડ, કાંદિવલી, બોરીવલી, દહિસર, વિલે પાર્લે, સાંતાક્રુઝ, બાંદ્રા વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અંધેરી, જુહુ અને જોગેશ્વરી વિસ્તારોમાં વરસાદની તીવ્રતા ઘણી વધારે છે, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે.

 

આ વિસ્તારો વરસાદને લઈ યલો એલર્ટ જાહેર

 

પુણે, નાસિક અને સતારા, કોલ્હાપુર જિલ્લામાં પણ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. છત્રપતિ સંભાજીનગર, જાલના, લાતુર, ધારાશિવ અને નાંદેડ જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. જલગાંવ, ધુલે અને સોલાપુર જિલ્લામાં આંધી અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે રાયગઢ, થાણે, રત્નાગીરી અને સિંધુદુર્ગ જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. મુંબઈની સાથે થાણે, પાલઘર, રાયગઢ અને રત્નાગીરી જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

 

રાહત કાર્ય માટેની તૈયારીઓ

 

રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આ સ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોને સાવચેત રહેવા અને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી માટે વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેથી કોઈ અપ્રિય ઘટનાને ટાળી શકાય. વરસાદનો આ સમયગાળો રાજ્યની ખેતી અને જળસ્ત્રોતો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, પરંતુ ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાની સમસ્યાનો સામનો કરવો પડશે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!