Dark Mode
  • રવિવાર, 14 જુલાઈ 2024
Gujarat_Charcha
નદીમાં પૂર આવશે તેની જાણકારી 10 દિવસ પહેલા જાણી શકાશે

નદીમાં પૂર આવશે તેની જાણકારી 10 દિવસ પહેલા જાણી શકાશે


સુરત શહેરની બે પીએચડીની વિદ્યાર્થિનીઓએ પૂર સ્થિતીને નિયંત્રણ કરવા તેમજ પૂર આવવાનો હોય તેની ગતિવિધીને પહેલાંથી જ સમજી શકાય તેવી મોડલ બનાવ્યું છે. પૂરની સ્થિતિને નિયંત્રણ કરવા માટે ‘એસેમ્બલ ફોરકાસ્ટિંગ ન્યુમેરિકલ વેધર પ્રિડિક્શન મોડેલ’ બનાવ્યું છે. આ મોડલ થકી ઉપરવાસમાં થયેલા વરસાદના ડેટાને અધારે કેટલું પાણી છોડવું પડે તેની ચોક્કસ આગાહી કરી શકાય છે. 

હાલ જે સિસ્ટમ સરકારની મંજૂરી હેઠળ હવામાન વિભાગ ઉપયોગ કરી રહ્યું છે, તે સિસ્ટમથી માત્ર 24 કલાક પહેલાં જ વરસાદની આગાહી થઈ શકે છે. જેના આધારે ઘણીવાર ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અચાનક પાણી છોડાતાં નદીઓમાં પૂર આવી જતું હોય છે. પરંતુ આ મોડલ થકી 10 દિવસ પહેલાં જ ખબર પડી જશે. 

આ મોડલ થકી પૂરની ઘટના અંગે પહેલાંથી જ 95 ટકા સંભાવના સાથે આગાહી કરવામાં આવે છે. જે ઓથોરિટીને વહેલી ચેતવણી અને સજ્જતા માટે મદદ કરશે. સંબંધિત અધિકારીઓ ઘટના બનતા પહેલાં યોગ્ય વ્યવસ્થા કરી શકે છે. લોકોને સમયસર ચેતવણી આપી શકાય છે અને આ વિસ્તારમાંથી બહાર કાઢી શકાય છે.

સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી (SVNIT)માં સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટની બે વિદ્યાર્થિની આયુષી અને રશ્મિએ આ અંગે દક્ષિણ કોરિયામાં આ મોડેલનું પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ બંને વિદ્યાર્થિનીએ હાલ પૂર નિયંત્રણ અને વરસાદની આગાહી પર એક મોડેલ બનાવ્યું છે.

આ રિસર્ચને લઈને દક્ષિણ કોરિયામાં યોજાયેલી ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં તેમને આમંત્રિત કરાઈ હતી. જેમાં ભારતભરમાંથી 5 વિદ્યાર્થીઓ પૈકી એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતી આયુષી પંચાલ અને રશ્મિ યાદવ સામેલ હતી. આયુષી અને રશ્મિ પ્રોફેસર એસ.એમ. યાદવના માર્ગદર્શન હેઠળ પીએચડી કરી રહી છે. આ બંને વિદ્યાર્થિનીઓ એવા મોડલ પર કામ કરી રહી છે જેનાથી તાપી નદીના ઉપરવાસમાં આગામી 7 દિવસમાં કેટલો વરસાદ પડશે અને ઉકાઈ ડેમમાંથી કેટલું પાણી છોડવું તેવી સિસ્ટમ બનાવી છે.

આ અંગે રશ્મિએ જણાવ્યું હતું કે, હું વિશ્વામિત્રી નદીના બેસિન માટે જોડાણ આધારિત પૂરની આગાહીનું મોડેલ વિકસાવ્યું છું. તે પૂરની ઘટનાના 7 દિવસ પહેલાં પૂરની ઘટનાની આગાહી કરશે. વિશ્વામિત્રી નદી 70 કિલોમીટર લાંબી છે જેમાંથી 40 કિલોમીટર વિસ્તાર શહેરમાં આવે છે. જ્યારે પણ પૂર આવે ત્યારે 8,000થી પણ વધુ લોકોને સ્થાળાંતરિત કરવામાં આવે છે. એટલું જ નહીં રહેઠાણ વિસ્તારમાં મગર પણ આવી જતા હોય છે. આવી સ્થિતિ દર વર્ષે વડોદરામાં જોવા મળે છે. જેનાથી મેં વિચાર્યું કે, આપણે આવી સ્થિતિ દર વર્ષે ન બને અને અગાઉથી જ આ સ્થિતિ અંગે જાણ થાય આ માટે મોડલ પર કામ કરીએ.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!